યુવા-સ્વર-૦૩

યુવાસ્વર:

આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.

 

-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.

સવાલો જવાબો: સંજય પટેલ
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે?

૧. ગુજરાતી ભાષા-સાહિત્યના એક અધ્યાપક તરીકે અને અભ્યાસુ તરીકે આપે જણાવેલ પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું :
સાહિત્ય સર્જનના હેતુઓ તો ગુજરાતી ભાષા-સાહિત્યના દરેક વિદ્યાર્થી અને અધ્યાપકના ધ્યાનમાં હોય જ. તેથી ઉપરવટ જઈ મારી વ્યક્તિગત વાત કરું તો હું ગુજરાતી ટૂંકીવાર્તા, હાસ્યનિબંધ, લલિત નિબંધ અને કેટલેક અંશે કાવ્યસર્જનમાં પ્રવૃત્ત છું. ગુજરાતીના તમામ સાહિત્ય સ્વરૂપોનો અને તે ખેડનાર સર્જકોનો મેં અભ્યાસ કર્યો છે. તેમાંથી મને ટૂંકી વાર્તા અને હાસ્ય નિબંધનું સ્વરૂપ વધારે અનુકૂળ આવ્યું છે.
ટૂંકી વાર્તાને હું એક કલાકૃતિ તરીકે તો જોઉં છું, પરંતુ માનવ જીવનના એક લાંબા પ્રવાસમાં બનતી અનેક ઘટનાઓ અને તેના નાનાં-નાનાં સંવેદનોને ઉજાગર કરવામાં મને વિશેષ રસ અને આનંદ આવે છે. એટલે કહું તો, જ્યારે કોઈ પણ ઘટના કે અનુભવની અભિવ્યક્તિ આપવા ઈચ્છું છું ત્યારે મને ટૂંકીવાર્તાનું માધ્યમ વધારે અનુકૂળ આવે છે. તો બીજી બાજુ, માનવજીવનની અને માનવ-સ્વભાવની નબળાઈઓ, ચારે તરફ ફાલી-ફૂલી રહેલી કૃત્રિમતા, વ્યર્થ દેખાવો અને પ્રતિષ્ઠા પાછળની પોકળતા, સામાજિક સંસ્થાઓથી માંડીને સરકારી તંત્રની નિષ્ફળતાઓ અને નિષ્ફળ પ્રયોગોને ચિંતનાત્મક રીતે વ્યક્ત કરવાને બદલે તેને હાસ્યના રૂપમાં વ્યક્ત કરી લોકો સુધી પહોંચાડવાનું મને વિશેષ ફાવે છે. તેથી જ વ્યક્તિ નબળાઈઓને મારી વ્યક્તિગત નબળાઈઓ રૂપે મેં આલેખી છે.તેમજ, જે તે સામાજિક કે સરકારી સંસ્થામાં હું પોતે સામેલ હોઉં એવા સ્વાનુભવરૂપે વસ્તુને રજૂ કરી, હસતા હસતા ઘણું બધું કહી દેવાનો આશય મેં રાખ્યો છે. કેટલાક લલિત-નિબંધો અને કાવ્ય-સર્જનમાં નિમિત્ત બન્યો છે મારો પ્રકૃતિધામમાં ઉછેર. પ્રકૃતિની ગોદમાં જ ઉછેર થયો હોવાથી જંગલ, વનરાજી અને પહાડ મારા સાહિત્યસર્જન એવા લલિતનિબંધ અને કાવ્યસર્જનમાં આવ્યા છે.આમ,અંગત આનંદ અને સ્વ-સંવેદનની અભિવ્યક્તિ,સામાજિક પ્રતિબદ્ધતા અને એક સામાન્ય વ્યક્તિ પ્રત્યે સમસંવેદન આ ત્રણ મુખ્ય કારણોથી હું સાહિત્યનું સર્જન કરું છું અને કરવા ઇચ્છું છું.

૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું?

૨. કોઈપણ કળા આખરે તો આત્માભિવ્યક્તિ અને આત્મ કે પર સંવેદનનું કલાકૃતિમાં નિર્માણ પામેલું એક ચોક્કસ સ્વરૂપ છે. કવિતા એટલે મારે મન નિજાનંદી પ્રવૃત્તિ .સાથે, આસપાસ બનતી ઘટનાઓનો વિનિયોગ કરી અસરકારક ભાષા, લય અને છંદમાં થતી ધારદાર રજૂઆત.વડે કાવ્યમાં કલ્પના અને લાગણી નભી શકે પરંતુ વિચારનો અભાવ નભી શકતો નથી. જે વર્ણ્યવિષય છે તેને અનેક સંદર્ભો, કલ્પનો અને પ્રતીકો સાથે જોડી ભાવકને એક નવા જ ભાવનો અનુભવ કરાવે તે કાવ્ય. વાર્તાની અનેક પરંપરિત વ્યાખ્યાઓ પછી વિશેષ કહેવાનું એ કે સંપૂર્ણ જીવનમાં નાનાં-નાનાં સંવેદન અને જીવનખંડો વેરવિખેર અને અણઘડ પત્થરની જેમ પથરાયેલા પડ્યા છે. એવાં કોઇપણ ઘટના કે સંવેદનના અણઘડ પથ્થરમાં કલાકૃતિ દેખાવા લાગે એટલે વધારાનો ભાગ કાઢી વાર્તા નામની કલાકૃતિને બહાર લાવવી એનું નામ ટૂંકીવાર્તા. વાર્તામાં વસ્તુ ભારે અસર કરનારી હોય એ જરૂરી નથી, પરંતુ સામાન્ય વસ્તુની પણ સર્જક પક્ષે થયેલી માવજતને હું હંમેશા આવકારું છું. દરેક વ્યક્તિ ઘટના આલેખી શકે છે, માત્ર સર્જક જ ટૂંકી વાર્તાની કલાકૃતિ ઘડી શકે છે. નિબંધ એટલે નિજાનંદે સ્વૈરવિહાર કરવાની પ્રવૃત્તિ અને દરેક સર્જકની અભિવ્યક્તિની એક વિશિષ્ટ શૈલી. કોઈપણ બાબત પર સર્જકના જે વિચારો છે તેની વિશિષ્ટ ભાષાશૈલીમાં અને પોતીકા દર્શનથી અને ઉત્તમ ભાષાકર્મથી આલેખવાની પ્રવૃત્તિ એટલે નિબંધ. હાસ્ય-નિબંધ એટલે સામાન્ય ઘટનામાં અસામાન્ય કલ્પના અને રમૂજ ઉમેરી હાસ્ય પ્રગટ કરવાનો એક ઉમદા પ્રયત્ન. હાસ્યનિબંધ પડકાર જનક છે. તેના માટે બહુશ્રુતતા અને અનેક વિષય સંદર્ભોની જાણકારીની જરૂર પડે છે. સમાજ અને વ્યક્તિ જીવનની રોજબરોજની ઘટનાઓને વિશેષ અર્થસંદર્ભ સાથે જોડી આપીને હાસ્ય નિષ્પન્ન કરવું પડકારજનક હોય છે. અતિશયોક્તિ, કૃત્રિમતા કે ચીલાચાલુ ટૂચકાઓમાં જ અટવાઈ પડવાનું પૂરું જોખમ તેમાં રહેલું છે.

૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો?

૩. આપણો સમય એટલે એવો સમય કે જેમાં સઘન અભ્યાસની સતત ઊણપ વર્તાય છે. એક આખી વિદ્વાન અને અભ્યાસુ પેઢીનો અસ્ત થતો જણાઇ રહ્યો છે. ત્યારે ભાષા અને સાહિત્ય બંનેની ગુણવત્તા જળવાય તેવું સાહિત્ય સર્જન કરવાની નેમ છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીને કારણે અતિશય ઝડપે બદલાતા જતા માનવ- જીવનમાં છૂટી જતાં પાછલા સંદર્ભો; એ જીવનના હોય, ભાષાના હોય કે સંસ્કૃતિના હોય. તેને વર્તમાન સાથે જોડી આપીને નવી સંસ્કૃતિના ઉદયથી જૂની પરંપરામાં કયા ફેરફારો થયા તે વાર્તા, નિબંધ અને શક્ય બને તો નવલકથા દ્વારા બતાવી આપવાની ઈચ્છા છે.

૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે?

૪. જ્યારે ગમતો કોઈ એક જ ગુજરાતી સર્જક પસંદ કરવાનો હોય ત્યારે બહુ વિકટ પ્રશ્ન બને છે. કારણ કે, સર્જન ઘણા આયામો ધરાવતું હોય છે.એક જ સર્જકમાં બધાં જ પાસાં ગમવા લાયક ન હોય તો ઘણા સર્જકોના જુદાં જુદાં પાસાંઓ ગમતા હોય એવું પણ બને. પણ જો એક જ સર્જકને પસંદ કરવાનો હોય તો હું સુરેશ જોષીને પસંદ કરું. ટૂંકીવાર્તા અને નિબંધોમાં મને એમના જેવું કલાકૃતિ અને સંવેદનનું સાયુજ્ય તેમજ ભાષાનું સર્જનાત્મક પાસું ક્યાંય જોવા મળ્યું નથી. તો હાસ્ય નિબંધમાં વિનોદ ભટ્ટ, નવલકથામાં પન્નાલાલ પટેલ અને કવિતાક્ષેત્રે શ્રી રમેશ પારેખ મારા અતિ પ્રિય સર્જકો રહ્યા છે.

૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ?

૫. મારો ગમતો ભારતીય સર્જક વિભૂતિભૂષણ બંદોપાધ્યાય છે. તેમણે રચેલી કૃતિઓ માત્ર બંગાળી જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવે છે. તો વિશ્વ સાહિત્યમાં મારો પ્રિય સર્જક અર્નેસ્ટ હેમિંગ્વે છે. તેમની નવલકથા અને વાર્તાઓનો હું ચાહક છું. ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ મારી ગમતી રચના છે.

૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે?

૬.. ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિદ્યાર્થી તરીકે હેમચંદ્રાચાર્યથી માંડીને હાલમાં સર્જન કરી રહેલા તમામ ઉત્તમ સર્જકો અને પ્રશિષ્ટ કહી શકાય તેવી મોટા ભાગની કૃતિઓથી હું પરિચિત છું.

૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો?

૭. કવિતા રચનામાં કલ્પના અને લય સંદર્ભે રમેશ પારેખ મારો આદર્શ બની શકે તો સંવેદન પરત્વે  જયંત પાઠકને હું આદર્શ ગણું.

૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ?

૮. કવિતા, વાર્તા કે નિબંધ લખ્યા પછી એ કૃતિ લગભગ એક મહિના સુધી હું બંધ કરી દઉં છું. ત્યારબાદ મારી જાતને જ સૌપ્રથમ સંભળાવું છું. પછી સાહિત્યરસિક મિત્રો સાથે ચર્ચા કરવાનું મને ગમે છે.

૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે?

૯. સાહિત્યસર્જનમાં મને સર્જનપ્રક્રિયાની વાતો કરતાં સર્જકોની કેફિયત હંમેશા ગમી છે. જીવનના કયા વિશિષ્ટ પ્રસંગોએ તેમના સર્જનને વેગ આપ્યો છે એ જાણવું મને સૌથી વધારે ગમે છે.

૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો?

૧૦. હું હંમેશા કહેતો આવ્યો છું કે હું મારી કોલેજ કે યુનિવર્સિટીનો અધ્યાપક છું, પરંતુ મારા વિષયનો તો હું વિદ્યાર્થી છું. જે દિવસે હું મારા વિષયનો અધ્યાપક થઈ જઇશ તે દિવસે ભાષા-સાહિત્યની સજગતા અને સંવર્ધન ત્યાં જ અટકી પડશે. એટલે મારી અભ્યાસુ તરીકેની ચેતનાને જીવંત રાખવા માટે અગ્રગણ્ય સામયિકો અને ગુજરાતના અગ્રગણ્ય પ્રકાશકો તરફથી પ્રગટ થતાં પુસ્તકો અને વિશ્વમાં બનતી ઘટનાઓનું સતત વાંચન અને વિચારમંથન કરું છું. સાથે, સાહિત્યના કાર્યક્રમો અને વ્યાખ્યાનોમાં પણ શક્ય એટલો વધારે ભાગ લઉં છું. સજ્જતા અને અભ્યાસ વધે તે માટે મારી ઈચ્છા છે કે હાલમાં અધ્યાપક તરીકે નિવૃત્ત થયેલા અથવા તો આગલી પેઢીના જેટલા પણ ગુજરાતી સર્જકો -વિવેચકો અને અભ્યાસુ જીવંત છે તેમની પોતાની શ્રેષ્ઠ પ્રતિભા ધરાવતા વ્યાખ્યાનોનો લાભ મેળવવો. ઘણાં પુસ્તકોના વાંચનની તુલનાએ આ વધુ ઉપકારક થઇ પડે એવું મને લાગે છે.

- સંજય પટેલ ,ગાંધીનગર