અભિપ્રાય

  • શ્રી વિનાયક રાવલ.

કોરોનાની મહામારીમાં ગુજરાતી સાહિત્ય પરિષદ 'નોળવેલની મહેક' જેવા કાર્યક્રમ દ્વારા તેર યુવા સ્વરો જયારે પ્રસ્તુત કરે છે, ત્યારે એના નવોન્મેષશાળી પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્ર અભિનંદનના અધિકારી બને છે. આ તેર યુવા સ્વરોમાં પ્રિયંકા ધંધુકીયા, આકાશ રાઠોડ અને ઉર્વિકા પટેલ આસ્વાદકો-વિવેચકો છે. પ્રિયંકા અને આકાશ કાવ્યાસ્વાદ કરાવે છે તો ઉર્વિકા વાર્તાનો આસ્વાદ કરાવે છે. બાકીના દસ યુવા સ્વરોમાં આઠ ગીત રચના છે. ત્રણ ગઝલ છે અને એક નાટક છે. આકાશ વાળાનું નાટક “કોરોના અને ઘર” સાંપ્રત સ્થિતિનું બયાન સંવાદો દ્વારા કરાવે છે પરંતુ એમાં નાટક બનવાની ક્ષમતા ઓછી છે. નાટક માટેની વસ્તુસંકલના પાંખી છે પરંતુ કથાનકમાં નાટ્યતત્વ જરૂર છે. ફરીથી એના પર કામ કરવું ઘટે. મનુ ઠાકોરની ગીત રચના “ઝીણું ઝીણું રે ઝળહળતું “માં ધ્રુવપંક્તિ અને બીજી કેટલીક પંક્તિઓમાં લયહિલ્લોળ છે. મનોજ સોલંકીના ગીતમાં “ચૂલો” અને “ઝૂલો” સારી રીતે રજૂ થવાને કારણે મુખડું આકર્ષક બન્યું છે. પરબત નાયીની ત્રણ રચનાઓમાં મુક્તક અને બે ગીત ધ્યાનપાત્ર છે. જયેશ રાષ્ટ્રકુટના ગીતની ધ્રુવપંક્તિ “જીવ, પારેવા નામે તું પરબીડિયું લખ” સારી છે. બ્રિજેશની ગીત રચના " ચેપ્લીન હોવું એટલે શું?" જુદા પ્રકારની ગીત રચના છે. મિશિકાના ગીતામાં “વરસાદ” જેવું પ્રકૃતિતત્વ છે પરંતુ આ સઘળી ગીત રચનાઓમાં સાદ્યંત લયવિધાનની ઓછપ છે. ગીતની સરખામણીમાં ગઝલ ઓછી કેમ ? આવો સવાલ અચૂક થાય. ગીત અને ગઝલ બંનેમાં પરંપરાનું નિર્વહણ છે. " ચાર્લી " રચના થોડીક હટકે છે.ગઝલ રચનાઓમાં છંદ-રદીફ-કાફિયામાં ક્યાંક ક્યાંક સ્ખલન છે.

આ યુવા સ્વરો એકદમ આશાસ્પદ છે. સિતાંશુભાઈ, આ પ્રકારની કામગીરી લગાતાર ચાલવા-ચલાવવાથી જ એક આગવું –નરવું-નવું આસમાન નિર્માણ કરી શકાશે. આસ્વાદકોને પણ વધાઈ.

ત્રણે રચનાઓ સશક્ત છે. બ્રેવો !!

  • હસમુખ અબોટી.

વંદન સર  !  કેટલો સંવેદનસભર અને ઉપયોગી વિચાર છે  !

// સુફલ મનોરથ હોય તુમ્હારે  //

 

 

  • Himanshi Shelat

Good idea. If l come across anything  interesting...

 

 

  • નેહા યાજ્ઞિક.

આદરણીય પ્રમુખશ્રી,

પહેલાં તો આપને અને આપની ક્રિયેટીવ ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

કોરોનાના આ કપરા સમયમાં આપે 'નોળવેલની મહેક' શીર્ષક હેઠળ જે આયોજન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય કાર્ય છે. આ ઉપક્રમ હેઠળ આપણાં ઉત્તમ સાહિત્ય અને સાહિત્યકારોને  રસિકો સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે.

સાહિત્યરસિકોને તો જાણે ઘેર બેઠાં ગંગા પહોંચી.

અભિનંદન અભિનંદન અભિનંદન.

આભાર સહ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • હેમંત શાહ.

'નોળવેલની મહેક'- જોઇ , સુંઘી

- હજુ નિરાંતે  વઘુ માણીશ.

- ભરપૂર સમૃદ્ધ કરે તેવી સામગ્રી છે, માટે વાચતાં વધુ સમય લાગશે.

- આ વિષાણુ અવલંબિત અનિશ્ચિત સમયમાં ખાસ તો, સાહિત્યના વાઘા પહેરી સાહિત્યકાર  થનાર સાથીઓની  સમજણ અને સહૃદયતા વિકસે તેવી પ્રાર્થના જ કરવાની રહી.

 

 

  • विजयभाई पंड्या

सितांशुभाई,

अंक सरस थयो छे. आखा अंक पर नजर नाखी गयो, ' कोरानाना  कपरा समयमां ' एकसूत्रता अर्पे छे. आभार.

 

 

  • પાયલ ધોળકિયા

એકાંત ગર્ભે

નોળવેલ મહેકે

કોરોના કાળે

 

  • દીપક રાવલ.

સમગ્ર વિશ્વ કોરોના આપત્તિથી ત્રસ્ત છે અને સૌને પરાણે એકાંતવાસ સેવવો પડી રહ્યો છે, ત્યારે મોબાઈલ પર ઈન્ટરનેટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે.

એવા સમયે યુવાસર્જકો માટે 'નોળવેલની મહેક' કાર્યક્રમ આવકારદાયક છે. યુવા સર્જકોને પ્રોત્સાહન મળશે અને આપણે ઘણી નવી પ્રતિભાઓથી પરિચિત થઈશું.

અભિનંદન અને શુભેચ્છાઓ.

 

  • જેલમ હાર્દિક. સિડની, ઓસ્ટ્રેલિયા સ્થિત મીડિયા બ્રોડકાસ્ટર.

છેલ્લા કેટલાક મહિનાઓથી મહામારીની દુનિયામાં કોરોનાએ આવીને અચાનક આખા વિશ્વની ઝડપને સ્થગિત કરી દીધી. જો કે એની વિનાશકતા સામે પણ આશાવાદ ટકાવી રહેવા ટટ્ટાર થયું વર્ચ્યુઅલ વિશ્વ, જેણે એકબીજા વચ્ચે અંતર જાળવ્યા છતાં આપણું અંતર ભર્યું-ભર્યું રહે એવું એક નવું હકારાત્મક જગત ઉઘાડી આપ્યું આપણી સામે. આવા જ સર્જનાત્મક ટેકારૂપે સાહિત્ય, સંગીત, નૃત્ય જેવાં જુદાંજુદાં ક્ષેત્રની અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ પણ આગળ આવી, જેમાંની એક એટલે ગુજરાતી સાહિત્ય પરિષદ. એની વેબસાઈટ પર ‘નોળવેલની મહેક'માં કેટલાંક યુવા સર્જનો વાંચ્યાં. આજે થયું એમાંનાં કેટલાંકને તો મારો આનંદ પહોંચાડું. તો બસ, વહેંચું તમારા સાથે અમુક કાવ્યોએ મારા મનમાં જગાડેલા ભાવો.

"ઝીણું ઝીણું રે ઝળહળતું. જીવણ અંતરમનના અંધારાને અજવાળું આવરતું..” મનુ ઠાકોર “મનન’નાં આ કાવ્યમાં મને તો જાણે કે સંત પરંપરાનાં પદોનો પડઘો સંભળાયો. ઝીણો ઝળહળાટ જાણે અલખનો આછેરો અણસાર. અને એ જ ઝીણાંને મેં થોડી જુદી રીતે ઓળખ્યું તો એમાં કબીર ‘ચદરિયા જીની રે બીની... રામ નામ રસ ભીની' ગાતા સંભળાયા. બસ, એ જ વિરાટને પામવા સૂક્ષ્મના સાક્ષાત્કારની, એ ઝીણા ઝળહળાટમાં તરબતર થવાની કવિની પ્રબળ ઝંખના ઝીલાતી લાગી મને આ કાવ્યમાં. કોઈને જયારે એક સાચા ભક્તનું ભોળપણ મળે ને ત્યારે એને પોતાની અધૂરપ ઓળખાય અને ત્યારે જ પ્રગટે શરણાગતિ. જેમ ગંગાસતીએ ગાયું.

'ભકિત રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન રે,' - એમ પોતાનાં મનને ઘેરી વળતા આવા અંધકારને હડસેલવા અડ્ડીં કવિએ પણ કેવા ભાવથી માગ્યું છે;

'ઘોર છવાયું ચોગમ ચિત્તે માયા કેરું જાળું, મદ ચડ્યો મુજ માએ એની આડે કાંઈ ના ભાણે. કોઈ ગેબી નાદ બની મુજ ભીતરમાં સળવળ તું.'

અને કવિની એ ભાવપૂર્ણ માગણીનો થયેલો સ્વીકાર જ છે કાવ્યના 'ઝીણું ઝીણું રે ઝળહળતું' ઉઘાડમાં. સાંઈ મકરંદ યાદ આવે. 'સાંયાજી, કોઇ ઘટમાં ગહેકે ઘેરું' અને ફરી કબીરની વાણીમાં દૃઢ થાય. 'મોકો કહાઁ તુ ટૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં'. પણ આ અવસ્થાએ પહોંચીએ જયારે સઘળું છૂટે ને ફકીરી જા. આ જ તો કેડી પરમને પામવાની;

'જાત બને જોગીંદર જે દી પામીએ પરમપુરુષ.'

આમ તો એક ઝરણાં જેમ ખળખળ વહેતા લયમાં ગૂંથ્યું છે આ અધ્યાત્મ કવિએ, પણ કોણ જાણે કેમ 'આતમના ઊંડાણ શું તાગે પળમાં પામર માનુષ, જાત બને જોગીંદર જે દી પામીએ પરમપુરુષ' પંક્તિઓમાં મને એ લય થોડો તૂટતો લાગ્યો. ચોક્કસ બને કે મારા મનમાં ઝીલાયેલા લયમાં કે મારી સમજમાં એ ખટક ઉભી થઈ હોય. પણ બાકી તો કવિએ માધવ રામાનુજની પંક્તિઓ -

'અંદર તો એવું અજવાળું અજવાળું.. સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું. અંદર તો એવું અજવાળું, અજવાળું..'

-ને શયામ સાધુની પંકિતઓ 'એકલદોકલ હોવાનો અસબાબ કાયમી, આંખો મીંચી અંદરનો આધાર બની જા !' યાદ કરાવી દીધી.

ચિત્તની આ જ અવસ્થાની વાત થોડી જુદી રીતે અભિવ્યક્ત થયેલી લાગી મને પરબતકુમાર નાયી 'દર્દ'નાં મુક્તકમાં.

બાગને મ્હેંકાવવામાં આપણે કાચા પડ્યા, શબ્દ સાચા વાવવામાં આપણે કાચા પડ્યા!

આંખ સામે રાસ જામ્યો તે છતાં ઊંઘી ગયા,

હાથને સળગાવવામાં આપણે કાચા પડ્યા !

એક બળુકી ગઝલના શેર જેવી ગૂંથણીમાં શબ્દને શબદ સુધી પહોંચાડવાની કવિની તરસ છલકાય છે. કેવી સંભારી છે કવિએ નરસૈયાની લગનીને એકાકાર અવસ્થાને ! ભગવતીકુમાર શર્માનાં 'બે મંજીરાં' મનમાં રણકી ઉઠે;

મારે રુદિયે બે મંજીરાં, એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં..

રાસ ચગ્યો ને હૈડાં હોંશે,

હાથની કીધી મશાલ, વિષનો પ્યાલો હોઠ પામીને,

નરદમ બન્યો નિહાલ

-ને સાથે સાંભરે રાજેન્દ્ર શુક્લ.

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક, તળેટી સમીપે હજો કયાંક થાનક..

ખૂટે છે તો હૈડાંમાં એ હોંશ, ચિત્તમાં એ ચાનક, જે લઈ જઈ શકે ભકિતની એ તળેટીમાં જ્યાંથી પરમનું કોઈ ગિરિશૃંગ છેટું ન ભાસે. ને પછી કાલિંદી પરીખ કહે છે એમ,

મળ્યો હાથ તારો તો લાગી છે તાલી, વિના રાસ ના હું કરતાલ ઝાલી.

એક જ અભિલાષા એની કેવી નોખી અનોખી અભિવ્યક્તિ.

આવી ઊંડી અનુભૂતિમાંથી એ જ કવિ હળવેકથી આપણને બે રમતિયાળ ગીતો સુધી દોરી જાય છે. તળ ભાષામાં રચાયેલાં આ કવિનાં ગીતો ને મનોજ સોલંકી અને સાગર ગોસ્વામીનાં ગીતોમાં ક્યાંક મને રમેશ પારેખ ને વિનોદ જોશીની છાંટ વર્તાઈ.

કૈક એવી જ શૈલીનું જયેશા રાષ્ટ્રકૂટનું 'જીવ, પારેવા નામે તું પરબીડિયું લખ' કાવ્ય પણ મને સ્પર્શી ગયું. ભજનોમાં ગવાયેલ 'પંખીડું' ને 'હંસલો' સાંભરે. આપણા લોકગાયક કવિ અરવિંદ બારોટે સરસ કહ્યું છે કે, જે ચાર બ્રહ્મવાકયો છે,

सोहम, तत्त्वमसि, अहं ब्रह्मास्मि, एको ब्रह्म द्वितीयो नास्ति માંથી સોહમ (સોહં)-નો સતત પાઠ કરવાથી સંભળાય, હંસો હંસો.. આ જ 'હંસ'ને ભજનવાણીમાં ગવાયો છે. એટલે જ પ્રાણજીવને પણ હંસ કહ્યો છે. હંસારાજા, રહી જાઓ આજુ કેરી રાત...( દાસી જીવણ) કે હંસલા હાલો ને હવે મોતીડાં નહીં રે મળે.. મને લાગે છે કયાંક આવી જ કોઈ વાત તો કવિ પારેવાને નથી પહોંચાડી રહ્યો ને ! ગામઠી બોલીમાં વલોણાંની જેમ વલોવાયું છે આ ગીત. પણ, છેલ્લા અંતરામાં ગોરાંદેને ઉદ્દેશીને થયેલી વાત ક્યાંક રસક્ષતિ તો નથી કરતી..! આ તો એ વાંચતાં ઉઠેલી મારી લાગણી વહેંચી છે. બાકી, કવિ જે ભાવપદેશમાં સર્જન કરે છે, મારા જેવી વાચક એ જ ભાવ પ્રદેશમાં ન પણ પ્રવેશી શકી હોય. કવિતા મૂળે વિષય જ અનુભૂતિનો છે. એ તો શબ્દે -શબ્દે એક નવું વિશ્વ ઉધાડે છે એના ભાવકો માટે, અને ભાવક બદલે એની સાથે એના મનમાં જનમતા ભાવો પણ બદલવાના..

અરે હા, આટલાં કાવ્યો માણ્યાનો મારો આનંદ વહેંચીને અટકતી જ હતી, ત્યાં થયું કે બ્રિજેશ પંચાલનાં કાવ્ય 'ચાર્લી ચેપ્લિન હોવું એટલે શું ?’ના ઉલ્લેખ વગર કેમ જવાય !પશ્ચિમી કવિઓની રંગછટા જોવા મળી આ વિષયની પસંદગી અને એની માવજતમાં. એક જ ભાષાના શબ્દોને ન વળગી રહીને, પરંપરાગત બાંધણીથી મુક્ત રહીને કવિએ વિષયને આધુનિક વાઘા પહેરાવ્યા છે. કાવ્યની અછાંદસ ગૂંથણી પણ કાવ્યમાં વ્યક્ત થતી માનવ મનની મૂંઝવણોનું, માનવ જીવનની આંટીઘૂંટીઓનું પ્રતિબિંબ છે જાણે...! વેણીભાઈના શબ્દોમાં કવિના પ્રશ્નોનો જવાબ મળે 'સુખ ને દુઃખનું સંગમતીરથ જીવન એનું નામ'. ને કવિએ જેની સાથે સંવાદ રચ્યો છે એવા ચાર્લીનાં જીવનને આપણી ફિલ્મોમાં પણ કેવું ઝીલાતું જોવા મળી જાય. જેમ કે ફિલ્મ 'પતિતા'નાં ગીત 'હૈ સબ સે મધુર વો ગીત જિન્હેં હમ દર્દ કે સૂર મેં ગાતે હૈં.' કે રાજ કપૂરનાં મેરા નામ જોકરના સંવાદ ‘the show must go on'માં.  જીવનનો અર્થ શોધવા સર્જાયેલા આવા પ્રશ્નો જ છે ને કદાચ આપણાં અધ્યાત્મના મૂળમાં પણ...

બાકી, આ તો એવું થયું કે, ભૂખ લાગી હતી ને ભાણું તૈયાર મળી ગયું! ગુજરાતી સાહિત્ય પરિષદે માતૃભૂમિથી દૂર રહેતા અમારા જેવા ભાવકો માતૃભાષાથી અને ખાસ કરીને આવા નવા અવાજોથી દૂર ન રહે એ માટે જે પીરસ્યું છે, એ અમને ખૂબ પોષે એવું છે. જો કે એ પચાવવાની જવાબદારી અમારી. ને એ કઠિન કામ કરવાની કોશિશ જ છે આ...

ખાસ તો આ બધા સર્જકોને એમની અભિવ્યક્તિ માટે મારો ઉમળકો પહેંચાડવો હતો. બસ તો, લખતાં રહેજો અને અમને સમૃદ્ધ કરતાં રહેજો.

 

 

  • વિજય ભટ્ટ ( લોસ એન્જલ્સ, યુ એસ એ)  એપ્રિલ ૨૭, ૨૦૨૦.

પ્રિય સિતાંશુભાઈ અને સાથી મિત્રો,

સૌ પ્રથમ આવું સુંદર વાંચવાની તક આપી તે બદલ હું આપનો આભાર માનું છું. 'યુવાસ્વર' એ  મને નામ ખૂબ ગમ્યું. જોકે નામ ગમવાનાં ઘણં કારણો સર્જનો વાંચ્યા પહેલાં હતાં જ. વાંચ્યા પછી કેટલાંક કારણોને અનુમોદન મળ્યું. 'નોળવેલની મહેક' અત્યારના સંદર્ભમાં ખૂબ જ ઉચિત છે. ભાગ્યે જ આપણને આટલો બધો સમય અને અવકાશ આપણી પોતાની જાત સાથે સ્વૈચ્છિક રીતે ગાળવા મળ્યો હશે. કોરોનાના કારમા સમયમાં સાહિત્ય પરિષદની આ પહેલ ખૂબ જરુરની, ઉપયોગી, અને બિરદાવવા યોગ્ય છે.

'યુવાસ્વર' વિષે:
દરેક કૃતિ પ્રથમ વાર વાંચતાં જ ગમી ગઈ. ફરી વાર વાંચવાનું મન થાય એવી! ઝીણવટથી ફરી ફરી વાંચી. મઝા આવી!
કિશોર અવસ્થામાંથી જયારે બાળકની ઘાંટી ફૂટે ત્યારે તેનો સ્વર સહેજ ફાટેલો ને તરડાયેલો લાગે છતાં ગમે.
કારણકે તેમાં એક  ગર્ભિત શક્તિ છુપાયેલ  લાગે. નવા જગતમાં પ્રવેશતી અને અભિવ્યક્તિ સાધતી યુવાનોની વાણી તરડાયેલી,  સુંવાળી ન હોવા છતાં ગમે. તેમાં પુખ્તતા ( mature)  ન હોવાને કારણે કદાચ વધારે ગમે. દરેક યુવકમાં  એક શક્તિશાળી, પ્રભાવશાળી, અને પહેલાં કોઈએ નહી કર્યું હોય તેવું કરવાની શક્યતા, ગમવાનું એક કારણ બની જતી હોય છે. જેમ હરણને કસ્તુરીની ખબર નથી હોતી તેમ મોટે ભાગે યુવા સર્જકોને પોતાની અંદર રહેલી કસ્તુરીની કદાચ ખબર ન પણ હોય. આ કારણે ક્યારેક યુવા સર્જકને ઉછીની સુગંધ લેવાની પણ લાલચ થઇ આવે. પરંતુ તેની તરફ અંગુલિનિર્દેશ કરવો જ રહ્યો. મને લાગે છે કે આપણા યુવાસર્જકોની કૃતિમાં રહેલી ક્ષમતાને બિરદાવવી જ જોઈએ,  જે હું મારી એક સાહિત્ય-રસિક તરીકેની આવડત અને રુચિ પ્રમાણે કરીશ.

કાવ્યો:

૧. "ઝીણું ઝીણું રે ઝળહળતું" : મનુ વી.ઠાકોર, 'મનન'. ભદ્રાડા.
કવિતાનો સુંદર ઉપાડ - "ઝીણું ઝીણું રે ઝળહળતું" માં 'ઝ' વળી  "જીવણ અંતરમનના અંધારાને અજવાળું આવરતું.." માં  ' અ',  અને " જાત બને જોગીંદર જે દી" માં "જ" ધ્વનિનો સુંદર વર્ણાનુપ્રાસ  ગમી જાય તેવો છે.
કવિતાનું આધ્યાત્મિક હાર્દ છેલ્લી પંક્તિમાં -"શોધે જે તુ બ્હાર એ અંદર ઘટ ઘટમાં ખળભળતું" વાચકને, નિર્ણાયક  તબક્કે મૂકીને સંતોષ આપે છે. ક્યાંક ક્યાંક લઘુ-ગુરુની માથાકૂટ માં પડ્યા વગર ગમી.

૨."ત્રણ રચના" : પરબતકુમાર નાયી, ‘દર્દ’. મુક્તક:
મુક્તકની છેલ્લી પંક્તિ જ પૂરતી છે! રાસ અને હાથ સળગવાની વાત બહુ જાણીતું અને અસરકારક રૂપક છે. જો આ મૌલિક રીતે જ આવ્યું હોય  તો  આ કવિ પાસેથી ઘણી વધારે અપેક્ષા રાખી શકાય.
બાકીનાં બે ગીતો સરસ.

૩.  "દીવડા પેટાવનારા આવશે." : રાણા બાવળિયા. ગઝલ સરસ લાગી.
"આ નગર આખું ભલે બદનામ હો, તે છતાં પણ આવનારા આવશે",  'આવનારા' નો ઉલ્લેખ કૈંક નવીન લાગ્યો - ગમ્યું.

૪. "બે રચના" : નયના સોલંકી તુરી,  ‘નિશા’. બંને ગઝલમાં/ કવિમાં -  સ્પાર્ક છે! ભવિષ્યમાં આગ થવાના!

૫. "ચૂલો." :  મનોજ સોલંકી. ગ્રામ્ય કૌટુંબિક જીવનનું, સ્ત્રી/વહુની મુંઝવણનું  ચિત્ર, મને સહેજ સ્મિત આપી ગયું.  પેલાં જાણીતાં ગીત "મારે અંબોડલે" અને "મારી વેણી માં ચાર ચાર ફૂલ"  અને એવાં અનેક, સ્ત્રી/ગૃહવધુના જુદા જુદા ભાવપ્રદેશનાં ગીતો યાદ આવે.

૬. "જીવ, પારેવા નામે તું પરબીડિયું લખ,":  જયેશ રાષ્ટ્રકૂટ. ગીત ખૂબ ગમ્યું. કારમી પરિસ્થિતિને  ખૂબ  જ તીવ્રપણે દર્શાવી છે.  "તું લખજે કે લેખણીએ માથું પછાડ્યું ને લોહીઝાણ કીધાં જીવતર!" કવિકર્મ સુંદર રીતે કર્યું ! વળી "અમે છપ્પનિયા કાળમાં વીણી વીણીને કાંઈ વાવ્યા'તા રોણા મબલખ" જેવું કલ્પન કવિ તાદૃશ કરે છે. અને છેલ્લે- "ઓણસાલ ડેલીએ આવો ગોરાંદે તો રંગી દઉં નમણાં રે નખ" માં ઓપ્ટિમિઝમ! સરસ રચના. આજકાલ જ્યારે ગઝલો અને ગઝલકારોનો રાફડો ફાટ્યો છે ત્યારે આ કવિ પાસે સરસ કલ્પનો અને રૂપકો દ્વારા સારસન ગીતોની અપેક્ષા રાખી શકાય.

૭."મન મક્કમ કરીને કઈ દીધું," :  સાગર ગોસ્વામી, ભુજ. મુગ્ધાવસ્થાનાં ગીતમાં મીરાંની વાત જુદી તરી આવી!

૮.," ચાર્લી ચેપ્લિન હોવું એટલે શું?" : બ્રિજેશ પંચાલ. ચાર્લીએ જીવનની કરુણતાને જે રીતે રજુ કરી તેને દર્શાવવાનો પ્રયત્ન રસપ્રદ લાગ્યો. એક કવિતા, એક જુદી જ અંજલિ લાગી ચાર્લી ચેપ્લિનને માટે!

૯. " વરસાદ" : મિશીકા ગાંગદેવ, વેરાવળ. વરસાદનું વર્ણન.  છંદ અને લય વિષે ધ્યાન રાખવું ઘટે. માત્ર વર્ણનથી કવિતા નથી બનતી.

૧૦. એક નાટક. "કોરોના અને ઘર" : આકાશ વાળા, ભાવનગર. ઘર વગરના લોકોને અનેબ ઘરે રહેવાની વાત, કોરોનાની વાત, હૃદયસ્પર્શી વાત! હજી તો શરૂઆત છે કોરોનાની!  દુનિયાના દરેક સાહિત્યમાં લાંબી અસર આવી રહી છે. કોરોના-ઈફેકટ.

૧૧. "મને ગમી આ કવિતા" : ઉમાશંકર જોશીની કવિતાનો આસ્વાદ". પ્રિયંકા ધંધુકિયા.
આ કાવ્યનો આસ્વાદ કરાવવો એ એક સૂર્યના પ્રકાશ વિષે વાત કરવા જેટલું કપરું અને એટલું જ સરળ કામ છે. આ કાવ્યનો ગમે તેટલો આસ્વાદ કરવો તો પણ ઓછો જ પડે. પ્રયત્ન સરસ!

૧૨. "લાલઘુમ તાપમાં" : મનોજ ખંડેરીયાની કવિતાનો આસ્વાદ.  આકાશ  રાઠોડ.
આલંકારિક ભાષા, વિવેચનમાં વપરાતા 'બઝ વર્ડ્સ' ( buzz words)  નો ઉપયોગ,  વારંવાર,  સંદર્ભ સિવાય કરવાથી વાચકને મુંઝવણ થાય કે આ આસ્વાદ લખનાર શું કહે છે અને તે કયા સંદર્ભમાં?

૧૩. " ‘ધૂમકેતુ’ કૃત ‘એક ટૂંકી મુસાફરી’માં નાયકના મનોભાવોનું ઊર્ધ્વીકરણ" : ઉર્વિકા શૈલેષકુમાર પટેલ. ઘણું સરસ પૃથ્થકરણ અને સંશોધનાત્મક ઊંડો  અભ્યાસ! મઝા આવી વાંચવાની, જાણવાની!

સરસ વાચનની ઉમદા તક આવા કોરોનાના કાળમાં!

મારી બે સાંજ સરસ મઝાથી ગઈ.
પ્રતિભાવ આપવાની પણ મઝા પડી.

ઘણો આભાર આપનો !

  • ગોરધન પટેલ 'કવિ'. (વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સિટટયૂટ, માંડવી, કચ્છ.)

આદરણીયશ્રી સિતાંશુભાઈ,

ઞુજરાતી સાહિત્ય પરિષદનું આંગણુ સર્જકતાને અભિવ્યકત થવાનું ગમતું ઠેકાણું છે. સમયાંતરે  વિભિન્ન ઉપક્રમોથી ગૂંજતી પરિષદે કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં, "નોળવેલની મહેક"ના માધ્યમથી શબ્દદેહે હાજરાહજુર, જંગમતીર્થ સમાન સર્જકોની લગોલગ ભાવકોને મૂકવાનું ધર્મકાર્ય કર્યુ છે.

બગીચામાં પ્રવેશબંધીથી પુષ્પોનો પમરાટ રોકાતો નથી, તેમ માનવીની લાગણીઓ કેદ કરી શકાતી નથી. વીજાણુ માર્ગે લોકસભ્યતાને જુદી રીતે પામવાનું આજના સમયનું આ કર્તવ્ય છે. આપના મંચ પર જાજરમાન, નિવડેલા સર્જકો સાથે યુવાસ્વરોની અભિવ્યકિતની જુગલબંધીએ પરિષદની ઓળખને વધુ ચરિતાર્થ  કરી છે અને આમાંથી થઇ શકે તેટલું આચમન કરવાની મોકળાશ સૌને આપી છે.

વિશેષમાં, પરિષદના ભવિષ્યના કાર્યક્રમમાં આજની વિષમ પરિસ્થિતિને કોઇક રીતે સાંકળીને સાહિત્ય સર્જનની નવી કેડી તરફ નિર્દેશ થાય તેવું પણ વિચારી શકાય. માનવીય લાગણીઓના આ કપરા કાળમાં નોળવેલની મહેકનો આપનો પ્રયાસ ફળદાયી બનશે તેવી શ્રધ્ધા છે.

-લાલ રાંભિયા
-ગુજરાત સમાચાર, ૨૧ એપ્રિલ ૨૦

 

 

 

આપના અભિપ્રાય આવકાર્ય: 

સંપર્ક: ગુજરાતી સાહિત્ય પરિષદ

 

-લલિતભાઈ સેલારકા