યુવા-સ્વર-૦૭

યુવાસ્વર:

આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.

 

-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.

સવાલો જવાબો: મિશીકા ગાંગદેવ
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે?

૧. આ પ્રશ્ન તો મારા માટે એના જેવો થયો કે શ્વસન પ્રક્રિયા શા માટે? બન્ને નો જવાબ એક જ રહેશે કે જીવવા માટે. સાહિત્ય એ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે જેનું આપણે વર્ષોથી જાળવણી જતન અને સર્જન કરતા આવીએ છીએ. સાહિત્યનું સર્જન આપણી અંદરની કલાને આપણા વ્યક્તિત્વને બહાર લઈ આવે છે.અથવા એમ કહું કે આ બહારની ભ્રામક અને મિથ્યા દુનિયાથી અંદરના સૂક્ષ્મ પણ વાસ્તવિક જગત સુધી લઈ જવા માટેનો માર્ગ છે.
સાહિત્ય વગરની દુનિયાનું આગળ વધવું અશક્ય હોત, રોજબરોજના નિત્યનિયમ કદાચ પેઢી દર પેઢી આગળ વધી જાત પણ મોટી શોધખોળ કે મહાભારત જેવી નિર્માણ પામેલ ગાથા નાના પ્રસંગે જીવાતી લોકસમાજની રીતો આગામી પેઢી સુધી પહોંચે તે માટે સર્જન જરૂરી છે.વેદો-પુરાણોથી માંડીને આજના સાંપ્રત સાહિત્ય સુધીનું સર્જન ન હોત તો ત્રણ વાર જમવુ અને એક વાર નહાવું જેવી પરિસ્થિતિ રહી હોત.
મારા ખુદ માટે સાહિત્ય એટલે જીવવિજ્ઞાન માં ગળાડૂબ રહેતી મિશિકાને ખુલ્લી પૃથ્વી પર મલ્હાર બનીને જીવવાની મળેલી તક.

૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું?

૨. 1) કવિતા મારો મનગમતો સાહિત્ય પ્રકાર. તે મુખ્યત્વે બે પ્રકારમાં વહેચાયેલી છે. છાંદસ અને અછાંદસ. જેને પ્રાસ અનુપ્રાસ હોય, લય હોય, રાગ મળે, એક ઢાંચામાં લખાય, ઓછા શબ્દોમાં ઝાઝું કહેવાય- એ કવિતા. આ સાહિત્ય પ્રકાર ખૂબ સમૃદ્ધ છે. મારી કવિતાઓ પણ કંઈક મારા જેવી જ હોય છે, આઝાદ, જેને કોઈ બંધન નથી, અછાંદસ અને કલ્પનાના કિલ્લા પર બાંધેલી, વાસ્તવિકતા ના વૃક્ષ પર ઉગેલી કે પછી સપનાની સરિતામાં વહેતાં સલીલ જેવી કે ઊંચા આસમાને ઉડતાં પારેવડાં જેવી.
2) વાર્તા એટલે પંચતંત્ર કે મમ્મી બાળપણમાં સંભળાવતી એ રોચક રચનાઓ. બાળ મનને માત્ર આવી સમજૂતી હતી. પણ વાર્તા એટલે કલ્પનાની મહેકતી કસ્તુરીને વાસ્તવિકતાનો વરખ ચડાવી રૂપ આપવું, જેના પાત્રો કાલ્પનિક કે વાસ્તવિક ઘટના પર આધારિત હોઈ શકે,. જે આસપાસની દુનિયા સાથે પરિચય કરાવે અથવા અંતે કઇંક શીખવે, મહત્વ સમજાવે. મેં અનેક વાર્તાઓ વાંચી છે લખવાની બાબતે હજુ પા પા પગલી ભરું છું.
3) નિબંધ એટલે કોઈ એક વિષય વસ્તુ કે સમય પર સંપૂર્ણ આલેખન. જેમાં રજુઆત, મુખ્યભૂમિકા અને સાર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલો માહિતીનો સઁગ્રહ હોય અને સાવ સરળ રીતે કોઈ તોડ મરોડ કે શ્રુંગાર વગર ખુલ્લી રીતે કહેવાતી નરી હકીકત રજૂ થઈ હોય.

૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો?

૩. આજનો સમય એટલે એકવીસમી સદી, દોડતી ભાગતી અને તેજ ગતિમાં જીવતી સદી.જ્યાં માણસ દિશા ભૂલ્યો છે. વિકાસશીલ થયો છે પણ ક્યાંક પોતાની જાત સાથે સાયુજ્ય સાધવાનું ભૂલી ગયો છે. આજની મોર્ડન પેઢીના માં-બાપ જ બાળકને માતૃભાષાથી દુર કરી રહ્યા છે ત્યારે એવા સાહિત્યની જરૂર છે કે જે બાળવર્ગ યુવાવર્ગને પોતાનું લાગે, વાંચવું ગમે અને જેમાં આજના યુગની રફતાર હોય, ટેકનોલોજી હોય અને વાસ્તવિકતા હોય, જે વાંચવા માટે પ્રેરિત કરે. અત્યારે એવું લખાણ આંશિકપણે થઈ રહ્યું છે પણ એલફેલ લખાણ લખવા કરતા નવીનતમ અને ભાવિ પેઢીને ગમે એવું લખાણ મારી દ્રષ્ટિએ આવશ્યક છે.

૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે?

૪. આ પ્રશ્ન ખૂબ મૂંઝવણભર્યો લાગે છે, આ તો શ્રેષ્ઠની ટોપલી સામે ધરી છે પણ પસંદગીનો કળશ એક પર ઢોળવાનો, એના જેવું થયું. પરંતુ નાનપણથી જાદુઇ રીતે મને નવલકથાઓ નવલિકાઓ વાંચવા તરફ ખેંચાણ વધુ રહેતું આવ્યું છે અને ઝવેરચંદ મેઘાણી મારા પ્રિય રહ્યા છે. સૌરાષ્ટ્રની રસધાર ,વેવિશાળ, કે પછી કે પછી તેમની સુપ્રસિદ્ધ ‘ચારણ કન્યા’ મારી પસંદગીની યાદીમાં હંમેશા પ્રાથમિકતા પામ્યાં છે. શા માટે? કેમ કે એમની તળપદી બોલીમાં અને સરળ શૈલીમાં આસપાસની ઘટનાનું ઝીણવટભર્યું અને મૌલિક આલેખન સચોટ રીતે અભિવ્યક્ત થયું છે. તેમનું શબ્દ ભંડોળ કોઈને પણ મોહિત કરે એવું છે અને કોઈપણ યુગમાં વાંચો તમારી આંખ સામે એ દ્રશ્ય ઊભું કરી દે તેવી તેમની સર્જક્તાને લીધે આ રાષ્ટ્રીય શાયર મારા હ્રદયની વધુ નજીક રહ્યા છે..

૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ?

૫. ભારતીય સર્જક, મેં વધુ અન્ય રચનાઓ નથી વાંચેલી છતાં મુનશી પ્રેમચંદની રચનાઓ મને ગમે છે અને દીપ ત્રિવેદીના મરાઠી કૃતિના ગુજરાતી અનુવાદ મને ગમે છે. વિશ્વસાહિત્યની રચના, p.s. I love you -by Cecilia Ahern

૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે?

૬.. પ્રામાણિકતાથી જવાબ આપીશ. ભાષા તરફની લાગણી સો ટકા સાચી,પણ ગુજરાતી સર્જકોનો મને ઓછો પરિચય છે. જો કે પુસ્તકો વાંચતી વખતે હું થોડી જાણકારી મેળવુ પરંતુ સચોટ જ્ઞાન ઓછું છે.હા સાહિત્યનો ઇતિહાસ જાણવો મને ગમે. કઇ રચનાનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો, કયા શિષ્ટ સ્વરૂપો છે અને રચનામાં સમય સાથે કેવા ફેરફાર થયા તે હું જાણવાનો પ્રયાસ કરતી આવી છું

૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો?

૭. લખતી વખતે કોઈ ચોક્કસ આદર્શ નહીં, પરંતુ છેલ્લે વાંચેલી ને મનને સ્પર્શી ગયેલી રચનાઓનું પ્રભુત્વ મનના પટલ પર રહેતું હોય છે. બાળગીત લખતી વખતે કૃષ્ણકાંત દવે, ગઝલ માટે મરીઝ સાહેબ અને રાંદેરી સાહેબ મારા આદર્શ રહ્યા છે.

૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ?

૮. મારી કોઈ પણ રચના લખ્યા પછી તરત જ હું મારી માવડી કે જેના થકી મને આ વારસો, આ લેખીની મળી છે એને અને મારો પ્રિય મિત્ર રવિને સંભળાવુ છું કેમકે મા પાસે હંમેશા વ્હાલથી પ્રોત્સાહન મળશે અને મા વાંચન કરતી આવી છે તો મને મઠારશે, સુધારશે એના પર ચર્ચા કરીને નવો દ્રષ્ટિકોણ આપશે જ્યારે રવિ મને હંમેશા લખવાની પ્રેરણા આપતો રહ્યો છે, અને વાચક ના હોવા છતાં મારી રચના એટલા દિલથી વાંચે કે હું એના મંતવ્યને મારા હૃદય પર કંડારીને રાખું છું. કેમ કે એક સામાન્ય માણસને મારી રચના કેટલી ગળે ઉતરશે તેની પ્રતીતિ તેના દ્વારા થાય છે .આ બંને હંમેશા મારા પહેલા વાચક છે.

૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે?

૯. આમ તો કોઈ એવી ચોક્કસ બુક વાંચી નથી, પણ instagram ના પ્રતિલિપિ પેજ પર થોડી ટૂંકી સલાહ મળે છે, એ લખવા માટે હંમેશા વાંચવી ગમે છે. એક વખત જ્યારે આંતર છાત્રાલય સ્પર્ધામાં જવાનું થયેલું, ત્યારે એક વક્તા મેઘા મે’મ (હું મારી આદત પ્રમાણે અટક ભૂલી ગઈ છું) એ આપેલી સલાહ સાચી, જીવનમાં ઉતારવા યોગ્ય લાગી હતી.

૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો?

૧૦. એક સારો શ્રોતા જ સારો વક્તા બની શકે એમ એક સારા વાચક જ સારા લેખક હોઈ શકે - હું આવું માનું છું અને ઘણું વાંચન કરવાનો પ્રયાસ કરું છું. ગુજરાતી જ નહીં હિન્દી તથા અંગ્રેજી પણ.. નવી નવી રચનાઓ રચુ છું તેમાં વિવિધતા જળવાઈ રહે તેવા પ્રયાસ કરું છું. રચનાઓની રજૂઆત કરીને સચોટ મંતવ્યની અપેક્ષા રાખું છું તેમજ, ઇન્સ્ટાગ્રામ પર રચનાઓ પોસ્ટ કરું છું.
મહાભારત રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતાને મારૅ વાંચવા છે. હું એકદમ ઊંડાણપૂર્વક અને ગહન રીતે અછાંદસ લખતી આવી છું, મારે છંદ શીખવા છે, મુક્તક, દુહા, હાઇકુ, ગઝલની રચના શીખવી છે અને આ તો છીછરામાં છબછબિયા કરવા જેવું છે. હકીકતમાં સાહિત્યના મહાસાગરમાં ડૂબકીઓ લગાવી છે દરેક રચનાને વાંચવી છે.

 

- મિશીકા ગાંગદેવ