યુવા-સ્વર-૦૧

યુવાસ્વર:

આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.

 

-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.

સવાલો જવાબો: શ્યામ શુક્લ, જૂનાગઢ
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે?

૧. ચાર્લ્સ લેમ્બ નામના લેખક આને 'books and no books' કહીને સમજાવતા. આ બન્ને વ્યાખ્યાનો આધુનિક સમયમાં સમન્વય કરી શકાય. સાહિત્યનું કામ માહિતીથી લઈને ચમત્કૃતિ સુધીનું છે. સાહિત્ય 'જાણકારીના આનંદને અજાણ્યા પરમાનંદ સુધી લઈ જઈ શકે. મૂળભૂત રીતે સાહિત્યનું કામ આનંદ આપવું છે, જે આનંદ એક છીછરો આનંદ ન રહે, એક didactic દિશાસૂચન પણ કરતો જાય.

કેરળમાં બનેલી હમણાંની દુઃખદ ઘટના, સાક્ષરતા સાથે સાહિત્યિક સંવેદનાનો અભાવ જ સૂચવે છે. સાહિત્ય એક સમાજને જડ બનાવતા અટકાવે છે.
આ સાથે એક બીજી બાબત પણ જોવી રહીઃ માણસની સહજવૃત્તિ, જેને એરિસ્ટોટલ પરગેશન થિયરી તરીકે ઓળખાતા. સાહિત્યકાર જે અનુભવે એ ભાવકોને પીરસે અને ભાવકો આ અનુભવ સાથે સમાયોજન કરીને પોતાની વૃત્તિઓનું પરગેશન કરી લે. આ ખૂબ મહત્વની બાબત છે. જેમ કૂકરમાં પ્રેશર મેનેજ કરવા સિટીની જરૂર પડે છે, તેમ જ મનોવૃત્તિને નિયંત્રિત કરવા સાહિત્યની જરૂર પડે છે. સાહિત્યિક અનુભૂતિની સમજ વગરનો સમાજ પર્ણ વગરના વૃક્ષ જેવો ભાસે તેમાં કોઈ બે મત નથી.

૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું?

૨. આ પ્રશ્નો સાહિત્યના સ્વરૂપો વિશે છે, મતલબ કે forms વિશે છે. આપણે એક પછી એક સમજવું જરૂરી છે. આમ તો આ બધા સ્વરૂપોને ઘણા સારા કવિઓને લેખકોએ વ્યાખ્યાયિત કર્યા જ છે. કવિતા એટલે અચાનક અંતરે ઉઠેલા ભાવની કાવ્યાત્મક પ્રસ્તુતિ.
હવે આ સમજવા માટે મારે એક બે મહાન વ્યાખ્યાઓને ટાંકવી પડે ને સાથે એકાદ વ્યાખ્યાને ખંડિત કરવી પડે. સંસ્કૃતમાં ત્રણ સુંદર શબ્દો કાવ્ય સાથે જોડાયેલા છેઃ ભાવ, વિભાવ, અનુભાવ.
આ ત્રણેયનો આવિર્ભાવ એટલે સર્જન અને આ ત્રણેયનો કાવ્યાત્મક આવિર્ભાવ એટલે કવિતા.
હવે, વર્ડ્સવર્થ નામના કવિ કવિતાને 'spontaneous overflow of powerful feelings' કહે છે. પરંતુ કવિતા સ્પોન્ટનીયસ હોય એ સમજ્યા પણ ઓવરફ્લો સાથે હું સહમત નથી. કેમ કે જ્યારે કોઈ પણ વિચાર હદબહાર જાય( ઓવરફ્લો થાય) ત્યારે કેઓસ સર્જે. કાવ્ય કેઓસ નથી એક લય છે. એક સુંદર ગતિ છે. જેમ નદીમાં ફલૉ સુંદર લાગે અને ઓવરફ્લો તાંડવઃ લાગે. તેમ જ કાવ્યમાં ફલૉ કાવ્યને કાવ્ય બનાવે ને ઓવરફ્લો કાવ્યને બગાડી નાખે છે.
વાર્તા અને નિબંધ કે નાટક વિશે મારે બોલવું યોગ્ય નથી કેમ કે એ સ્વરૂપોને હું જાણું છું પરંતુ તેમાં સર્જનની કોઈ અનુભૂતિ મને થઈ નથી. ફક્ત માણી શકું છું.

૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો?

૩. આ પ્રશ્ન સમજવા માટે મારા મતે Hippolyte Taine ની Race, Milieu and Moment ની થિયરી સમજવી રહે. કોઈ પણ સર્જક પોતાના વારસામાં મળેલી માનસિકતા(race), પોતાની આસપાસના વાતાવરણ (milieu) અને નજીકના ભૂતકાળ અને વર્તમાનથી પરે નથી થઈ શકતો (moment).
વ્યક્તિગત રીતે કોઈ પણ સર્જકમાં આ ત્રણ પાસાંઓ કામ કરતા હોય છે. સર્જક ધારે કે ન ધારે આ પરિબળોને અધીન જ સર્જન કરી શકતો હોય છે.
એરિસ્ટોટલ કહેતા, literature reflects the age. આ વિધાન એમ પણ કહે છે કે સર્જકમાં તેના યુગની અસર હોય છે.
કાવ્યાત્મક પહેલુને વ્યક્તિગત રીતે મુલવવામાં ફક્ત એટલું કે કોઈ પણ યુગનો પ્રભાવ એટલો ઘેરો ના બને કે કવિની કે લેખકની આંતરિક વિચારધારાને હાનિ થાય. જેમ કે ગુજરાતી ગઝલની પરંપરા આંશિક રીતે ક્યાંક આધ્યાત્મિક પરંપરાથી એટલી પ્રભાવિત જોવા મળે છે કે ગઝલના મૂળને ભૂલીને આધ્યાત્મિક ભજનનું સ્વરૂપ હોય એવું ભાસે છે.(વ્યક્તિગત વિધાન માફ કરશો.) ગઝલને જ ચર્ચામાં લઈએ તો ગઝલ ફિલોસોફી પીરસવાની ડીશ નથી, પરંતું આજના યુગની ગુજરાતી ગઝલો ફકત ઇશ્વરવાદથી પીડિત હોય અને કવિની ઊર્મિઓ પર આનો ઘેરો પ્રભાવ પડ્યો હોય ને સ્વાભાવિક અભિવ્યક્તિનો અભાવ જોવા મળતો હોય એવું પણ ક્યારેક ભાસે છે. એક સર્જક તરીકે તમારી અનુભૂતિને વફાદાર રહીને જે સાહિત્ય સર્જન થાય એ યોગ્ય ગણાય.

૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે?

૪. ગુજરાતીમાં એક સર્જકને તારાવવા અઘરા છે. પણ હા, હરકિસન મહેતા મને ગમતા લેખક છે. તેમની ભાષાની લ્યુસીડીટી અને વાત મુકવાની આવડત અજોડ છે.

૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ?

૫. ભારતીય સર્જક: R. K. Narayan. વિશ્વ સાહિત્યની ગમતી રચના: The Tempest. W. Shakespeare.

૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે?

૬. વાંચન લગભગ બધાનું છે. જાણકારી ગણી શકાય. ઘણી બાબતો સમજવાની ક્ષમતા આવી છે કે નહીં એ કેવું થોડું ઉતાવળિયું...

૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો?

૭. આ જવાબમાં અહમ નથી. પરંતુ એવો આદર્શ સામે રાખીને લખવાનું હજી સુધી નથી થયું. હા, ગમતા ઘણા કવિઓની છાપ મારા માનસપટ પર ચોક્ક્સ હશે, જે મારી કવિતા વાંચનારને સામે છતી થઈ જતી હશે.

૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ?

૮. મારા કાવ્યસર્જનમાં પ્રોત્સાહિત કરનાર સંજુ વાળા, હિમલભાઈ પંડ્યા કે એક મિત્ર છે ગૌતમ જાની...કોઈ પણ કાવ્ય લખ્યા પછી કાવ્ય એમને સંભળાવું છું. જો કે હમણાંથી એક નવો ઝોન પણ ખુલ્યો છે એમાં મને કાવ્યને મમળાવવું ગમે છે. હમણાંથી કાવ્યો સંભળાવવાં કરતાં કાવ્યસર્જન પછી જોવા ગમે છે.

૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે?

૯. મારા મતે તમારી સાહિત્ય સમજ તમારી સોબત ને આદત પર નિર્ભર કરે છે. હું ભાગ્યશાળી છું કે એક બૌદ્ધિકવર્ગની સતત સાથે રહેવાનું થાય છે. વાંચવામાં આવેલું ચર્ચાના સ્વરૂપમાં ક્યાંક કહી શકાય છે અને ન વાંચેલું અન્ય દ્વારા મારા સુધી પહોચતું રહે છે. આમ આજ રીતે ધીમી પણ મક્કમ ગતિએ સાહિત્યના સંપર્કમાં રહેવાય અને ક્યારેક કોઈ આકાશ ખુલે, જ્યાં ઉપનિષદમાં જેમ કે છે એમ...એવું કંઈક સમજાય, જે એકને સમજવા માત્રથી અન્ય બધું સમજાય કે સમજવું વ્યર્થ થઈ જાય.

૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો?

૧૦. આપના લગભગ બધા પ્રશ્નોના ઉત્તર મારી સહજ સમજ પ્રમાણે આપ્યા છે. આપની અપેક્ષામાં ખરો ઊતરું કે નહીં એ ખ્યાલ નથી પરંતુ મારી સમજણને વફાદાર રહીને લખ્યું છે.

- શ્યામ શુક્લ, જૂનાગઢ