યુવાસ્વર: સર્જન-વિવેચના

મિર્ચમસાલામાં આવતી નારીવાદી ચેતના

- ધારિણી પાઠક

 

સાહિત્ય અને સિનેમા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. ભેદમાત્ર માધ્યમનો છે. બાકી સિનેમા પણ સાહિત્યની જેમ જ વિવિધ માનવીય વૃત્તિઓને, સંવેદનોને અને લાગણીઓને રજૂ કરવાનું કાર્ય કરે છે. સાહિત્ય જે વાત શબ્દો વડે રજૂ કરે છે તે સિનેમા દૃશ્યોથી રજૂ કરે છે. એક દિગ્દર્શક જયારે સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવે છે ત્યારે અક્ષરશ: તેને રજૂ નથી કરતો પણ તે પોતે પણ સાહિત્યકારની જેમ જ સ્વતંત્ર બનીને પોતાના દ્રષ્ટિકોણથી તે કૃતિને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં કંડારે છે.

વિશ્વની મોટા ભાગની ફિલ્મો સાહિત્યકૃતિ પરથી બનેલી છે. કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ની (૧૯૮૭) જ વાત કરીએ તો આ ફિલ્મની કથા આપણા ગુજરાતી સાહિત્યના વાર્તાકાર ચુનીલાલ મડિયાની ‘અભુ મકરાણી’ની વાર્તા પર આધારિત છે. વાર્તા અભુના મૃત્યુથી અંત પામે છે પણ દિગ્દર્શકને અભિપ્રેત કંઈક બીજું છે. તે આ વાર્તાને કાચી સામગ્રીરૂપે લઈ નવી પટકથા તૈયાર કરે છે અને રજૂ કરે છે ‘મિર્ચ મસાલા’ ફિલ્મ. વાર્તામાં અભુ અને એનું ઈમાન કેંદ્રમાં છે, જયારે ફિલ્મમાં સોનબાઈ અને તેમાં પ્રગટતી નારીવાદી ચેતના કેન્દ્રમાં છે. આ ફિલ્મ ‘રેડિકલ ફેમિનિસ્ટ’ અભિગમ પર આધારિત છે, જ્યાં પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓ પર થયેલા અન્યાય, શોષણ અને અત્યાચાર સામેનો તેમનો આક્રોશ તથા વિરોધ છે.

ફિલ્મની કથાવસ્તુ એટલી જ કે એક ગામ જ્યાં સ્ત્રી ઉચ્ચ વર્ગની હોય કે પછાત વર્ગની હોય પણ પિતૃસત્તાક સમાજમાં તેનું કોઈ અસ્તિત્વ જ નથી, સાથે જ તેનું શારીરિક કે માનસિક રીતે સતત શોષણ થતું રહે છે. ફિલ્મની નાયિકા સોનબાઈ (સ્મિતા પાટીલ) જે પછાત વર્ગમાંથી આવે છે, તે એક મજબૂત મનોબળ ધરાવે છે અને પોતાની સામે આવી પડેલી વિકટ પરિસ્થિતિનો તે ખૂબ જ આકરો વિરોધ દર્શાવી તેનો સામનો કરે છે. બીજી બાજુ ફિલ્મનો પ્રતિનાયક જે રંગીન મિજાજનો સૂબેદાર (નસીરુદ્દીન શાહ) છે અને જે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગામના લોકો પાસેથી કોઈ પણ કામ કરાવી શકે છે. તે સોનબાઈ જેવી સ્ત્રીને પોતાને તાબે કરવા માંગે છે જે તેના તાબે તો નથી જ થતી પણ તેના અહમને પણ તોડે છે અને પછી શરૂ થાય છે એક સ્ત્રીના અસ્તિત્વને ટકાવવાની લડાઈ. પોતાનું શીલ બચાવવાની લડાઈ, જેમાં ભલભલા પુરુષોનો અહમ ઘવાય છે અને તૂટે છે. તીખાં મરચાં જેવી સ્ત્રી જ્યાં સુધી પોતાની મર્યાદામાં રહે છે ત્યાં સુધી ઠીક છે પણ જયારે કોઈ પુરુષ એ મર્યાદાને તોડવા માંગે છે ત્યારે એ તીખાં મરચાંની દાહ એને દઝાડી મૂકે છે, આ છે ‘મિર્ચ મસાલા’.

કચ્છના એક નાનકડા ગામમાં ફિલ્મનો સેટ ૧૯૪૦ના સમય મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સામંતશાહી, જોહુકમી, સત્તાનો દુરુપયોગ, પછાત વર્ગના લોકોનું શોષણ, જડ સમાજ, આરૂઢ થયેલા રીતિ રિવાજો અને બંધનોમાં ઘેરાયેલી સ્ત્રી, વગેરે જેવી બાબતોને વણી લેવામાં આવી છે. તળપદા સંવાદો, દેશી પહેરવેશ અને રીતભાત બધું કચ્છના ગામને અનુરૂપ છે. ગાંધીયુગ છે એટલે વાસ્તવવાદનું નિરૂપણ છે સાથે જ અંગ્રેજોનું શાસન પણ ચાલે છે. આખી ફિલ્મ પ્રતીકાત્મક છે. ફિલ્મની શરૂઆતના દૃશ્યમાં જ ઘોડા પર આવતી ફોજ દેખાય છે. ઘોડા સત્તાનું પ્રતીક છે માટે ઘોડા અને ફોજને એક સાથે દેખાડીને ગામમાં સત્તાનું વર્ચસ્વ બમણું છે એ પ્રતીકાત્મક રીતે સૂચવ્યું છે. ગામમાં ફોજનું આગમન બહુ ધાંધલિયું છે. એક નદીમાં સ્ત્રીઓ પાણી ભરતી દેખાય છે ત્યાં જ ફોજ આવી ચઢે છે ત્યારે બધી સ્ત્રીઓ ફોજથી ડરીને ભાગવા માંડે છે પણ તેમાંથી એક સ્ત્રી જરા પણ ડર્યા વગર ત્યાં જ ઊભી રહે છે અને તે છે સોનબાઈ. સોનબાઈ એ સુંદર, બુદ્ધિશાળી અને સશક્ત સ્ત્રી છે. તે સૂબેદારને કહે છે કે, “બાપજી સરકાર, ઈસ ગાંવમે આદમી યહાં પાણી પીતે હે, જાનવર સબ વહાં.” ત્યારે સૂબેદાર પણ તેની પાસે જઈને કહે છે કે, “ઈસ જાનવર કો યહાં પાણી મિલેંગા” અહીં સૂબેદાર માટે “જાનવર” શબ્દ પ્રતીકાત્મક રીતે પ્રયોજવામાં આવ્યો છે.

ફિલ્મમાં મુખ્ય પાત્ર તો સોનબાઈ અને સૂબેદાર છે અને સોનબાઈનો પતિ શંકર, અભુ, મુખી અને તેની પત્ની સરસ્વતી, લખમી, શિક્ષક વગેરે સહાયક પાત્રો છે. અહીં ગામની સ્ત્રીઓની જ વાત કરીએ તો પહેલાં ઉચ્ચ વર્ગમાંથી આવતી મુખીની પત્ની સરસ્વતી(દીપ્તિ નવલ)ની વાત કરીએ. તે એક સશક્ત સ્ત્રી છે પણ તેનો પતિ તેને પગનાં જોડાં સમાન જ ગણે છે, એ વાત પ્રતીકાત્મક રીતે ફિલ્મના એક દૃશ્ય દ્વારા સમજાય છે. જયારે મુખી (સુરેશ ઓબેરોય) ઘરની બહાર જવા તૈયાર હોય છે ત્યારે સરસ્વતી મુખીનાં જોડાં એની સામે ધરે છે અને તે પહેરીને નીકળી જાય છે. ગામમાં કોઈ શિક્ષિત નથી, માત્ર એક શિક્ષક છે. તે જયારે સરસ્વતીને તેની દીકરીને સ્કૂલમાં ભણવા મોકલવા માટે કહે છે ત્યારે સરસ્વતી કહે છે કે અહીં છોકરીઓને ભણવાનો રિવાજ નથી ત્યારે માસ્તરનો એક સંવાદ જ આગળ જઈને તેને પ્રેરણા આપે છે. તે છે, ‘શરૂઆત કે લિયે એક હી કાફી હે’. અને તે તેની દીકરીને સ્કૂલમાં મૂકવા જાય છે ત્યારે ગામની જ સ્ત્રીઓ તેને મહેણાં મારે છે. આમાં એક વાત નજરે પડે છે કે સમાજે લાદેલાં બંધનો સ્ત્રી પર એટલાં રૂઢ થઈ ગયાં છે કે જો કોઈ સ્ત્રી તેમાંથી મુક્ત થવા ઈચ્છે તો પહેલાં તો સમાજની સ્ત્રીઓ જ તેને સમાજ, રીતિરિવાજો અને બંધનોની સાંકળોથી જકડે છે. છતાં પણ સરસ્વતીમાં નારીવાદી ચેતના પૂર્ણપણે જાગૃત થયેલી જણાય છે અને આટલા બધાં બંધનોથી ઘેરાયેલી હોવા છતાંય તે તેની દીકરીને ભણવા મોકલે છે. જયારે મુખીને ખબર પડે છે કે તેની દીકરી સ્કૂલમાં ભણવા ગઈ છે ત્યારે તે તેને ત્યાંથી પાછો ઘરે લઈ આવે છે અને સરસ્વતી પર ગુસ્સો ઉતારે છે. તે જાણે છે કે સરસ્વતી તેના પરસ્ત્રી સાથેના સંબંધોથી નાખુશ છે અને તે તેને ઘણુંબધું સંભળાવે છે. એનાં થોડાક સંવાદો જોઈએ, – ‘લડકા નહીં હુઆ ફીર ભી કોઈ કુછ નહીં બોલતા’, ‘કભી સૂના હે કિસી લડકીકો સ્કૂલમે પઢતે હુએ?”, ‘મરદ કભી કભી રાત બહાર ના ગુજારે તો લોગ ક્યાં કહેંગે?’, ‘ઇતને બડે ગાંવકા મુખી એક ઔરત તક નહીં રખ શકતા?’ -- ત્યારે સરસ્વતી કહે છે કે, ‘મેં ઔરત નહીં હું?’ અને મુખી જવાબ આપે છે કે, ‘તુમ બીવી હો.’ --- આવા સંવાદોમાં એવા પુરુષવર્ગની છબી ઉપસે છે જે બીજી સ્ત્રી કરવામાં પોતાની મરદાનગી અને શાન સમજે છે. તેમને માટે પત્ની એ સુંદર અને સુશીલ હોવી જોઈએ અને ઘરની શોભા વધારે એવી હોવી જોઈએ. બીજી તરફ સરસ્વતી પણ જાણે છે કે તેનો પતિ રોજ કોઈ પરસ્ત્રી સાથે રાત વિતાવે છે ને તેની દરેક રાત આવી જ રીતે પતિની રાહ જોવામાં જાય છે પણ હવે તેની આંખોમાં પતિ માટે રાહના બદલે આક્રોશ છે, એક પ્રકારનો વિદ્રોહ છે. જે એક દૃશ્યમાં આપણે જોઈ શકીએ છીએ જેમાં મુખી સવારે તેના ઘરે પાછો જતો દેખાડવામાં આવે છે પણ સરસ્વતી ઘરનો દરવાજો ખોલતી નથી, આમ તે તેના પતિ તરફનો વિદ્રોહ વ્યક્ત કરે છે. અહીં તેના વિદ્રોહમાં નારીવાદી ચેતના સ્પષ્ટ દેખાય છે. અહીં એક એવી નારીના દર્શન થાય છે જે પોતાના હકો માટે સભાન છે ને તેને પામવા માટે સતત સંઘર્ષ પણ કરે છે, આ એક નારીવાદી ચેતના જ તો છે.

પછાત વર્ગની લખમીનું પાત્ર જોઈએ તો તે ગરીબ છે, લાલચુ પણ છે અને એ બરાબર જાણે છે કે સત્તાની સામે કોઈનું જોર ચાલતું નથી. માટે જ તે કે તેના જેવી સ્ત્રીઓને પરપુરુષ સાથેના શરીરસંબંધનો કોઈ છોછ નથી અને તેઓ સૂબેદારને ખૂબ સહેલાઇથી સ્વાધીન પણ થઈ જાય છે. એક દૃશ્યમાં સૂબેદાર તેના તંબુમાં સોનબાઈની રાહ જોતો હોય છે, પણ હજામ ભૂલથી સોનબાઈને બદલે લખમીને લઈ આવે છે. ત્યારે સૂબેદાર નારાજ થઈ જાય છે પણ પછી કહે છે કે, ‘ચલ વો નહીં તો તું સહી’, ‘આજ નહીં ફીર સહી’. -- આ સંવાદથી સમજાય છે કે સૂબેદારને સોનબાઈ તો જોઈએ જ છે પણ સોનબાઈ ના મળે તો તે બીજી સ્ત્રીથી પણ પોતાની કામવાસનાને સંતોષી લે છે. લખમીને એ વાતની કોઈ તકલીફ નથી કે તે કોઈની અવેજીમાં છે પણ સૂબેદારે આપેલી એક વીંટીની ભેટથી તે ખુશ થઈ જાય છે. અહીં એવી નારી દેખાય છે જે પરિસ્થિતિને આધીન થઈ ગઈ છે અને પોતાના અધિકાર કે અસ્તિત્વ માટે જરાય સભાન નથી.

હવે વાત કરીએ સોનબાઈ જે આ ફિલ્મનું મુખ્ય પાત્ર છે. જે પોતાના અસ્તિત્વ અને અધિકારો માટે પૂરી રીતે સભાન છે. પુરુષોની લોલુપતાભરી નજરોથી પોતાને છુપાવાને બદલે તે એનો હિંમતથી સામનો તો કરે જ છે પણ જ્યાં જરૂર પડે ત્યાં જડબાતોડ જવાબ પણ આપે છે. ગામની બધી જ સ્ત્રીઓમાંથી એ જ એક એવી સ્ત્રી છે જેને આ પિતૃસત્તાક સમાજમાં પોતાના હોવાપણાની પૂરેપૂરી જાણ છે, જે અમુક દૃશ્યો અને સંવાદોથી સમજી શકાય છે. સોનબાઈને એક પણ બાળક નથી જેનું એને કોઈ દુ:ખ નથી પણ ગામની એક વૃદ્ધ સ્ત્રી તેના માટે જંતર બનાવી લાવવા માટે પૂછે છે. અહીં આ દૃશ્યમાં બે નારીઓનાં દર્શન થાય છે, એક એ જે માતૃત્વને જ સર્વસ્વ માને છે, જેના વગર સ્ત્રી અધૂરી છે અને બીજી એ કે જે માતૃત્વ ધારણ નથી કરી શકતી તો તે પોતાને દોષિત નથી માનતી અને માતૃત્વ વગર પણ તેનું કંઈ અસ્તિત્વ છે એવી નારીવાદી ચેતના તેનામાં જોઈ શકાય છે.

સોનબાઈના પતિ શંકરની વાત કરીએ તો તેની જમીન મુખીયાએ હડપી લીધી છે અને તે ઘરમાં એમ જ પડ્યો રહે છે પણ એક દિવસ તેને શહેરથી રેલ્વેમાં નોકરી મળવાના સમાચાર મળે છે ને તે જાણી ખૂબ જ ખુશ થાય છે અને શહેરમાં જવાની તૈયારી કરવા લાગે છે પણ સોનબાઈ દુ:ખી થાય છે કેમ કે તે માને છે કે એકવાર માણસ શહેર જાય તો તે ક્યારે પાછો આવતો નથી ને અહીં શંકર પણ તેની લાચારીને કારણે મજબૂર છે, એક સંવાદમાં જોઈએ તો  – ‘સોનબાઈ : શહેર સબકો ખા જાતા હૈ’, ‘શંકર : ચોર હી શાહુકાર બન ગયા તો શિકાયત ભી કીસે કરે’.

ફિલ્મના એક દૃશ્યમાં પક્ષીઓનું ઉડતું ટોળું, તેમાંથી છૂટું પડીને એકલું ઉડતું પક્ષી, ઘોડાને કાબુમાં કરતો માણસ, પાણી ભરીને જતી ત્રણ ચાર સ્ત્રીઓ, અને એક માણસના મુખનો સંવાદ, “સરકાર બડે રંગીન આદમી હે”. આ બધું સૂબેદારની રંગીન પ્રકૃતિને રજૂ કરે છે. સૂબેદાર પોતાના મોજશોખ અને પોતાની કામવાસનાને તૃપ્ત કરવા એક નહીં પણ અલગ અલગ ઘણી સ્ત્રીઓનો ઉપયોગ કરે છે. પક્ષીઓનું ટોળું એટલે સૂબેદારને સ્વાધીન થઈ જતી સ્ત્રીઓ અને એકલું ઉડતું પક્ષી એ સોનબાઈ, જે સૂબેદારને તાબે નથી થતી. એ પ્રતીકાત્મક રીતે આ દૃશ્ય દ્વારા બતાવ્યું છે.

સૂબેદાર સોનબાઈની સાથે અણછાજતું વર્તન કરે છે ને જેનાં કારણે સોનબાઈ તેને કસકસતો એક લાફો ઝીંકી દે છે. આ લાફો ભલે સોનબાઈએ સૂબેદારના ગાલ પર માર્યો હોય પણ તે પડ્યો સૂબેદારના અહમ પર. અહીં એક વાત બરાબર સમજાય છે કે સૂબેદાર હવે સોનબાઈને છોડશે નહીં અને સોનબાઈએ પોતાના આત્મસંરક્ષણ કાજે લડવું પડશે કાં તો સૂબેદારને સ્વાધીન થવું પડશે. પણ સોનબાઈ હારે એવી સ્ત્રી નથી. એ પોતાની રક્ષા કાજે સતત સંઘર્ષ કરે એવી સ્ત્રી છે, તીખાં તમતમતા મરચાં જેવી, કોઈ પાસે પણ જો ફરકે તો બાળી મારે એવી સ્ત્રી છે.

સૂબેદાર તેના સિપાહીઓને સોનબાઈને પકડવા માટે કહે છે પણ સોનબાઈ ત્યાંથી નાસી છૂટે છે અને પોતે જ્યાં કામ કરે છે એ મરચાંના કારખાના તરફ દોટ મૂકે છે. આ કારખાનામાં નાની છોકરીથી લઈ વૃદ્ધ સ્ત્રીઓનો સમાવેશ થાય છે ને એક જ પુરુષ છે જે કારખાનાનો ચોકીદાર છે એ ‘અભુ મિયાં’ જે મઝહબે મુસલમાની છે અને ઈમાનનો ખરો છે. કારખાનામાં કામ કરતી સ્ત્રીઓ લાલ મરચાંને જોઈ કહે છે કે, ‘બડી તેજ મિર્ચ હૈ’, ‘અચ્છી હૈ’, ‘મસાલા જોરદાર બનેગા’ - આ બધા સંવાદ અને દૃશ્યો ખૂબ જ પ્રતીકાત્મક છે. એક સારી ફિલ્મમાં કોઈ પણ દૃશ્યો કે સંવાદ અમથા નથી આવતા પણ તેની સાથે કોઈ ને કોઈ ક્રિયા જોડાયેલી જ હોય છે. આમાં પણ આ સંવાદો દ્વારા સોનબાઈને તેજ મિર્ચ સાથે સરખાવવામાં આવી છે, સોનબાઈ સારી છે પણ જો તેને કોઈ છેડે તો તે તીખાં લાલ મરચાં જેવી છે.

એક બાજુ કારખાનામાં લાલ મરચાંના ઢગલા દેખાય છે તો બીજી તરફ સોનબાઈ સિપાહીઓથી બચવા માટે નાસતી હોય છે ત્યાં લાલ મરચાંનાં ઢગલા ને ઢગલા જ દેખાય છે. સોનબાઈ તે લાલ મરચાંની ઓથે સંતાતી સંતાતી નાસી છૂટે છે. કારખાનાની સ્ત્રીઓ આ પરિસ્થિતિથી અજાણ છે, તેઓ હસીમજાક કરે છે ને એકબીજા પર લાલ મરચાં ફેંકીફેંકીને ગમ્મત કરે છે. લાલ મરચાંને હાથ લગાડતાં કે શરીરના અન્ય ભાગોમાં જો એ લાલ મરચું લાગી જાય તો ખૂબ જ બળતરા થાય પણ એક સ્ત્રીનું અસ્તિત્વ જ લાલ મરચાં જેવું છે, તો એ સ્ત્રીને મરચાંની શું બળતરા થશે? જો એ રસોઈમાં પડે તો સ્વાદિષ્ટ બને અને આંખમાં પડે તો બાળી મારે.

સોનબાઈ કેમ પણ કરીને કારખાના સુધી પહોંચે છે ને અભુ મિયાંને દરવાજો બંધ કરવા કહે છે ને અભુ કાંઈપણ પૂછયા વગર દરવાજો બંધ કરી દે છે અને કારખાનાની સ્ત્રીઓ તેને સંભાળે છે. સિપાહીઓ કારખાનાનો દરવાજો ખોલવા અને સોનબાઈને બહાર મોકલવા માટે અભુ મિયાંને કહે છે પણ તે સાફ ના કહી દે છે ને કહે છે કે, ‘સરકાર તો સબકે માઈબાપ હોતે હે, બહુ-બેટી પર નજર નહીં બિગાડતે.’ સરકાર રક્ષા કરવા માટે હોવી જોઈએ પણ અહીં સૂબેદાર રક્ષકના વેશમાં ભક્ષક બનીને આવ્યો છે તે આ સંવાદથી સમજાય છે.

હવે શરૂ થાય છે અંતિમ સંઘર્ષ : એક તરફ છે સૂબેદારની કોઈ પણ ભોગે સોનબાઈને પામવા માટેની ક્રૂરતા તો બીજી તરફ છે એવી સ્ત્રીની લડત જે પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ કામ કોઈ પણ ભોગે નહિ કરે. સૂબેદારની જિદ્દ છે કે જો સોનબાઈ તેને નહિ મળે તો તે આખા ગામને ઉજાડી નાખશે અને એ વાત જાણી ગામનો મુખી, કારખાનાનો માલિક જીવણ શેઠ અને ગામના લોકો સોનબાઈને સોંપવા તૈયાર થઈ જાય છે. બીજી બાજુ સરસ્વતી ગામની બીજી સ્ત્રીઓને એકઠી કરી સોનબાઈની મદદે આવે છે. એક બાજુ ગામના પુરુષો કારખાના તરફ જઈ રહ્યા છે તો બીજી બાજુ રસ્તામાં સરસ્વતી અને બીજી સ્ત્રીઓ થાળી પર વેલણ પીટીપીટીને તેઓનો વિરોધ કરે છે. અહીં મુસીબત સામે નહીં હારવાની નારીવાદી ચેતના દેખાય છે અને પોતાની મુસીબત સામે પોતે લડવાની ચિનગારી જોવા મળે છે.

મુખી અને ગામના માણસો કારખાને પહોંચીને અભુ મિયાંને સમજાવાની કોશિશ કરે છે ત્યારે અભુ મિયાંના સંવાદ પણ ખૂબ જ સુંદર અને અર્થસભર છે, ‘તાજુબ હે, સારે ગાંવમે એક ભી મર્દ નહીં મિલા જો ઇસ ઔરતકી મદદ કો આયે, મર જાઉંગા મગર જુલ્મમે ભાગીદારી નહીં કરુંગા, જાવ કહે દો સૂબેદારકો ગાંવમે એક તો મર્દ મોજૂદ હે, જવાન ના સહી બુઢા હી સહી, જબ તક વહ ઝીંદા હે તબ તક જુલ્મ કી મરજી નહીં ચલેગી.’ અભુ મિયાં કારખાનાની સ્ત્રીઓને પોતાની દિકરી કે બહેન સમાન ગણે છે અને તેમની રક્ષા કાજે તે બંદૂક ચલાવવામાં કે પોતાનો જીવ આપવામાં પણ પાછળ નહીં પડે, એવું તેના આ સંવાદોથી સમજાય છે.

અભુ મિયાં મુખીની વાત માનવા તૈયાર નથી ત્યારે મુખી સોનબાઈને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ સોનબાઈ ટસની મસ નથી થતી તે કહે છે, ‘મેરા મરદ અગર કહેગાના, તો ભી મેં નહીં જાઉંગી, મેં જાન દે દુંગી મગર ઉસકે પાસ નહીં જાઉંગી.’ એક સ્ત્રીની ઈચ્છા વિરુધ્ધ તેની પાસે કોઈ ના જઈ શકે અને ના કે તેની પાસે કાંઈ કરવી શકે. સોનબાઈ જેવી સ્ત્રીઓ સમજે છે કે હવે તેને લક્ષ્મી નહિ પણ દુર્ગારૂપ ધારણ કરવું પડશે અને આ સ્ત્રી પુરુષના વચ્ચે જે અસમાનતા છે તેનો છેદ ઉડાડવો પડશે.

એક સ્ત્રી ત્યારે જ હારે છે જ્યારે તેના સ્વજન તેનો સાથ છોડી દે, બસ સોનબાઈ સાથે પણ એવું જ થાય છે. સોનબાઈ માટે કારખાનું તેના ઘર જેવું છે ને ત્યાં કામ કરતી સ્ત્રીઓ અને અભુ મિયાં તેનાં સ્વજનો જેવા છે. જ્યાં અભુ મિયાં એક મુસલમાની અને વૃદ્ધ હોવા છતાં સોનબાઈને પડખે ઊભો છે ત્યાં આખા ગામમાંથી કોઈ પુરુષ તેની મદદે નથી આવતો ને ઉપરથી કારખાનાની સ્ત્રીઓ જ તેને મહેણાં મારે છે. જે સોનબાઈ અત્યાર સુધી લડવા માટે મક્કમ હતી, તે પોતાના જ સ્વજનોના વાકબાણોથી વીંધાયને સૂબેદાર પાસે જવા તૈયાર થઈ જાય છે. પણ એક પિતા જેવી હુંફ આપનાર અભુ મિયાં તેને હિંમત આપે છે ને તે ફરી મક્કમ થઈ જાય છે. આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં સોનબાઈની સાથે કારખાનાની દરેક સ્ત્રી તકલીફ અનુભવે છે. તેમાંથી એક ગર્ભવતી સ્ત્રીને પ્રસવ પીડા ઉપડે છે ને ત્યાં એક બાળકીનો જન્મ થાય છે, તે પણ એક પ્રતીકાત્મક રીતે સૂચવ્યું છે.

સૂબેદાર હવે કારખાનાંનો દરવાજો તોડી નાખવાનો હુકમ કરે છે ને તેના સિપાઈઓ દરવાજો તોડી કારખાનામાં પ્રવેશે છે ત્યારે અભુ મિયાં બંદૂકથી એક સિપાઈને જખ્મી કરે છે પણ બીજી જ ક્ષણે સિપાઈઓ અભુ મિયાંને ગોળીઓથી વીંધી નાખે છે, એક સ્ત્રીને બચાવવા માટે એક પાકા મુસલમાને તેનો ઈમાન ખોવા કરતાં જીવ ખોવાનું વધારે પસંદ કર્યું. અભુ મકરાણીની હત્યા એ બધી સ્ત્રીઓ માટે પ્રેરણાદાયક બને છે. જ્યારે સૂબેદાર કારખાનામાં પ્રવેશે છે ત્યારે સોનબાઈ જરા પણ ડર્યા વગર દાતરડું લઈને તેની સામે મક્કમ ઊભી રહે છે, સૂબેદારને લાગે છે કે તે જીતી ગયો છે પણ બીજી જ ક્ષણે કારખાનાની સ્ત્રીઓ પણ એક નારીના, પોતાના અસ્તિત્વ માટે હથિયાર ઉગામે છે અને એ હથિયાર પણ કેવું, જે તેની જ ઓળખ છે એવું. તેઓ લાલ મરચાંની ભૂકી સાથે સૂબેદાર પર હુમલો કરે છે, લાલ મરચાંની ભૂકીનો આખો ઢગલો તેની આંખોમાં નાંખે છે અને ફિલ્મના અંતમાં સૂબેદાર તેને ઘૂંટણિયે પડી જાય છે ને તેની દર્દનાક, ભયાનક ચીસો કારખાનામાં ગુંજી ઊઠે છે, આ છે નારીશક્તિનો પરચો. નારીવાદી ચેતનાથી સંપૂર્ણ સભાન નારી ધારે તો શું ના કરી શકે, જયારે સ્ત્રીને પોતાની શક્તિનો પરિચય થશે ત્યારે તે પોતાના હક માટે, સમાજ દ્વારા અપાતી પીડા સામે સમાજમાં અવાજ ઉઠાવશે અને ત્યારે જ સ્ત્રીઓનો વિકાસ શક્ય બનશે. ‘મિર્ચ મસાલા’ જેવી સ્ત્રીઓ જો પોતાપણા પર આવી જાય તો ભલભલાને ધૂળ ચટાડી દે છે.

સાહિત્ય અને સિનેમા બંને એકબીજાના પૂરક છે પણ બંને સ્વતંત્ર માધ્યમ છે. આપણા ગુજરાતી સાહિત્યના ચુનીલાલ મડિયાની વાર્તા ‘અભુ મકરાણી’ને કેતન મહેતાએ નારીવાદી અભિગમ લઈ આગળ વધારી ‘મિર્ચ મસાલા’ની ખૂબ જ અદ્ભુત રજૂઆત કરીને સાબિત કરી દીધું છે કે સતયુગની સીતા હોય, દ્વાપરયુગની દ્રૌપદી હોય કે કલિયુગની સોનબાઈ હોય પણ જ્યારે જયારે નારીના અસ્તિત્વ પર પ્રશ્નો ઉઠશે ત્યારે ત્યારે નારી એનો આકરો વિરોધ દર્શાવશે. છેલ્લે એટલું જ કહીશ કે જયારે પણ સાહિત્ય સાથે સિનેમાને નારીવાદી દ્રષ્ટિકોણથી મૂલવવામાં આવશે ત્યારે ‘મિર્ચ મસાલા’ને યાદ કરવું જ રહ્યું.

 

- ધારિણી પાઠક (મુંબઈ)